લાસ વેગાસમાં પંજાબી શેરની ગર્જના
શેરાના એક જ થપ્પડથી ખતરનાક WWE ચેમ્પિયન બેહોશ

લાસ વેગાસ : પંજાબના ફિરોઝપુરના વતની અને ‘મહાબલી શેરા’ તરીકે જાણીતા ભારતીય રેસલર અમનપ્રીત સિંહે અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત ‘પાવર સ્લેપ 21’ સ્પર્ધામાં ઈતિહાસ રચી દીધો છે. 10 જુલાઈ 2026ના રોજ રમાયેલા આ મુકાબલામાં શેરાએ પોતાની પ્રચંડ તાકાતનો પરચો આપતા ભૂતપૂર્વ WWE વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન જેક હેજરને ત્રીજા રાઉન્ડમાં એક જ જોરદાર થપ્પડ મારીને નોકઆઉટ (બેભાન) કરી દીધો હતો. આ ઐતિહાસિક જીત સાથે શેરા રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો છે.
દિલજીત દોસાંઝના ગીત અને તિરંગા સાથે શાનદાર એન્ટ્રી મેચ શરૂ થાય તે પહેલાં જ શેરાના આત્મવિશ્વાસે દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે સ્ટેડિયમમાં પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના ગીત ‘બદલે જટ્ટાં દે પુત્ત નીં ગિણ-ગિણ કે સોહણિયે લેંદે’ સાથે પ્રવેશ કર્યો હતો. શેરાએ પોતાની પીઠ પર ભારતનો શાનદાર તિરંગો ઓઢ્યો હતો, જેને જોતા જ આખું સ્ટેડિયમ ‘શેરા-શેરા’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રિંગમાં પ્રવેશતા પહેલા તેણે કોચ સાથે હાથ મિલાવ્યો, તિરંગાને ફોલ્ડ કરી માથે અડાડીને સન્માન આપ્યું અને સ્ટેજને ચુંબન કરીને રિંગમાં પ્રવેશ કર્યો હતો. એન્ટ્રી વખતે જ તેણે એક આંગળી ઊંચી કરીને પોતાની જીતનો સંકેત આપી દીધો હતો.
શરૂઆતી રાઉન્ડમાં જેક હેજરનો રહ્યો દબદબો આ હાઈ-વોલ્ટેજ મુકાબલાના શરૂઆતના બંને રાઉન્ડમાં જેક હેજરનું પલડું ભારે હતું:
- પ્રથમ રાઉન્ડ: ટોસ મુજબ પહેલો થપ્પડ મારવાનો વારો શેરાનો આવ્યો. શેરાએ પૂરા જોરથી હેજરના ગાલ પર સચોટ થપ્પડ માર્યો, પરંતુ હેજર હલ્યો નહીં. વળતા પ્રહારમાં હેજરના થપ્પડથી શેરા સંતુલન ગુમાવી પાછળ બેસી ગયો હતો, જોકે રેફરી 5 ગણે તે પહેલાં જ તે ફરી તૈયાર થઈ ગયો. પ્રથમ રાઉન્ડના અંતે સ્કોર 9-10 (હેજરની તરફેણમાં) હતો.
- બીજો રાઉન્ડ: બીજા રાઉન્ડમાં પણ શેરાના થપ્પડની હેજર પર કોઈ ખાસ અસર થઈ નહીં. જોકે, આ વખતે હેજરના થપ્પડ સામે શેરા મજબૂતીથી ઊભો રહ્યો. રાઉન્ડના અંતે સ્કોર 17-20 રહ્યો હતો, જેમાં શેરા પાછળ હતો.
ત્રીજા રાઉન્ડનો એ ઐતિહાસિક થપ્પડ અને ભવ્ય ઉજવણી પોતાના કોચ સાથે મંત્રણા કર્યા બાદ શેરાએ ત્રીજા રાઉન્ડ માટે કમર કસી. વારો આવતા જ શેરાએ પોતાનો હાથ પાછળ લઈ જઈને પૂરી તાકાત સાથે જેક હેજરના ગાલ પર એક ભયંકર થપ્પડ જડી દીધો. આ થપ્પડ એટલો જોરદાર હતો કે માત્ર 2 સેકન્ડની અંદર જ દિગ્ગજ ખેલાડી જેક હેજર પાછળની તરફ જમીન પર પટકાયો અને બેભાન થઈ ગયો.
હેજરને જમીન પર ઢળી પડતો જોઈને રેફરીએ તરત જ નોકઆઉટ જાહેર કરી શેરાને વિજેતા ઘોષિત કર્યો. જીતની જાહેરાત થતા જ શેરાએ ઉત્સાહમાં પોતાની ટી-શર્ટ કાઢી હવામાં લહેરાવી અને સ્ટેજ પર ગર્જના કરી હતી. ત્યારબાદ તેણે ફરી એકવાર પોતાના ખભા પર ગર્વથી તિરંગો લપેટી લીધો હતો.
જેક હેજરની કારકિર્દીની પ્રથમ નોકઆઉટ હાર નોંધનીય છે કે જેક હેજર માત્ર WWEનો સ્ટાર જ નથી, પરંતુ મિક્સ માર્શલ આર્ટ્સ (MMA)માં પણ તેનો રેકોર્ડ અત્યાર સુધી શાનદાર રહ્યો હતો. પોતાની સમગ્ર કોમ્બેટ સ્પોર્ટ્સ કારકિર્દીમાં જેક હેજર પહેલીવાર આ રીતે નોકઆઉટનો શિકાર બન્યો છે. અમનપ્રીત સિંહ શેરાની આ જીત ભારતીય કોમ્બેટ સ્પોર્ટ્સ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.



