સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે ગાંધીનગર સિવિલમાં જ ગંદકીનું સામ્રાજ્ય!

ગાંધીનગર,
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ૧ થી ૭ જુલાઈ સુધી “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS (સિવિલ હોસ્પિટલ)ના ઓડિટોરિયમ ખાતેથી આ મહાઅભિયાનનો શંખનાદ કરવામાં આવ્યો.

આ અભિયાન સુપરહિટ: કામગીરી ખરેખર પ્રશંસનીય
સરકારના આરોગ્ય વિભાગની કામગીરીના આંકડાઓ અને તેમની સ્ફૂર્તિ ખરેખર તાળીઓ પાડવા મજબૂર કરી દે તેવા છે. માત્ર પ્રથમ દિવસે જ રાજ્યભરની ૧૨,૦૦૦ જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. એટલું જ નહીં, ૧.૩૬ લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓ અને ભંગારની ઓળખ પણ કરી લેવામાં આવી! આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફર્નિચર અને તબીબી ઉપકરણો મળીને કુલ ૪,૬૭૪ જેટલી વસ્તુઓનું તો રીપેરિંગ પણ પૂર્ણ થઈ ગયું. સરકારની આ ત્વરિત અને વ્યાપક કામગીરી ખરેખર આવકારદાયક છે.
પરંતુ… શરૂઆત ઘરથી કરવાનું તંત્ર ભૂલી ગયું?
ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે – “દીવા તળે અંધારું”. આ કહેવત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માટે બરાબર સાર્થક ઠરી રહી છે. જે ઓડિટોરિયમમાં રાજ્યને સ્વચ્છ કરવાનો દાવાઓ કરવામાં આવ્યો, તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ વાસ્તવિકતા ખુલ્લેઆમ તંત્રની મજાક ઉડાવી રહી છે!
આખા રાજ્યની ૧૨ હજાર હોસ્પિટલોનો કચરો શોધવામાં આવ્યો પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર પોતાના જ આંગણામાં રહેલો કચરો જોવાનું કદાચ ચૂકી ગયું છે.
ગાંધીનગર સિવિલની વરવી વાસ્તવિકતા:
મેઈન ગેટ પર જ ગંદકીનું સ્વાગત : ગાંધીનગર સિવિલના મુખ્ય દરવાજાથી પ્રવેશ કરતાની સાથે જ દર્દીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કચરાના ઢગલા દ્વારા થાય છે.
ઓડિટોરિયમ પાસે જ કચરો : જે હોલમાં મંત્રીશ્રીઓએ સ્વચ્છતાના પાઠ ભણાવ્યા, ત્યાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા જ ઘણો કચરો અને ગંદકી જોવા મળી રહ્યા છે.
પાર્કિંગ અને રસ્તાઓની દુર્દશા : હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં અને મુખ્ય રસ્તાઓ પર ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. પાર્કિંગમા સ્ક્રેપ અને કચરો આંખે ઊડીને વળગી રહ્યો છે.
સરકારની ૧.૩૬ લાખ બિનઉપયોગી વસ્તુઓ શોધવાની ઝીણવટભરી દૃષ્ટિને સલામ છે, પરંતુ સવાલ એ થાય છે કે શું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રને આ પ્રાંગણમાં પડેલો ભંગાર અને કચરો કેમ ન દેખવામાં આવ્યો?
આ અભિયાન ચોક્કસ હિટ છે, પરંતુ જો ખરા અર્થમાં દર્દીઓને સ્વચ્છતા આપવી હોય તો શરૂઆત પોતાના જ ઘર (ગાંધીનગર સિવિલ) થી કરવી પડે. આશા રાખીએ કે રાજ્યભરમાં સ્વચ્છતાનો મેસેજ આપવામા આવ્યો તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ના તંત્ર આ દુર્દશા પર ધ્યાન આપશે!



