ICA ના ડાયરેક્ટર પદે ચૂંટાયેલા દિલીપ સંઘાણીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

ગાંધીનગર,
ભારતીય સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ નિર્માણ પામી છે. પનામા ખાતે તાજેતરમાં યોજાયેલી ‘ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ’ (ICA) ની ચૂંટણીમાં ભારતના દિગ્ગજ સહકારી નેતા અને ઇફ્કો (IFFCO) ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી જંગી બહુમતીથી ડાયરેક્ટર પદે વિજેતા બન્યા છે. વિશ્વના ૧૦૮ દેશોનું પ્રતિનિધિત્વ કરતી આ સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થામાં તેમની વરણી થતાં સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે ગાંધીનગરના અડાલજ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક ભવ્ય અને ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય નેતૃત્વનો વૈશ્વિક સ્વીકાર: મુખ્યમંત્રીઆ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની અને સહકારી અગ્રણીઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, “શ્રી દિલીપભાઈ સંઘાણીની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે.” તેમણે દેશના વડાપ્રધાનને શ્રેય આપતા ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ અને દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે વૈશ્વિક સ્તરે ભારત માટે એક સાનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. તેના જ પરિણામે આજે ભારતીય નેતૃત્વને આંતરરાષ્ટ્રીય મંચ પર આવી ઐતિહાસિક સફળતાઓ અને સ્વીકૃતિ મળી રહી છે.

પાંચ દાયકાની અવિરત સેવા: મુખ્યમંત્રીએ શ્રી દિલીપભાઈની વર્ષ ૧૯૭૮ થી શરૂ થયેલી અને ૨૦૨૬ સુધી વિસ્તરેલી સામાજિક અને સહકારી ક્ષેત્રની નિસ્વાર્થ સેવાયાત્રાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે જમીન સાથે જોડાઈને કામ કરવાની તેમની ધગશ આજે તેમને આ વૈશ્વિક મુકામ સુધી લઈ ગઈ છે.

શ્રી સંઘાણીના ૪૨ સભ્યોના વિશાળ અને સંપન્ન સંયુક્ત પરિવારને મુખ્યમંત્રીએ પ્રાચીન ભારતીય ભાવના ‘વસુધૈવ કુટુંબકમ્’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) નું ઉત્તમ અને પ્રેરણાદાયક દૃષ્ટાંત ગણાવ્યું હતું.
ઇફ્કો (IFFCO) દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કૃષિ અને સહકાર ક્ષેત્રે જે અભૂતપૂર્વ પ્રગતિ અને સફળતા હાંસલ કરવામાં આવી છે, તેને મુખ્યમંત્રીશ્રીએ શ્રી સંઘાણીની દીર્ઘદ્રષ્ટિ અને ઉત્કૃષ્ટ કાર્યકુશળતાનું સીધું પરિણામ ગણાવ્યું હતું.

આ ભવ્ય સન્માન સમારોહમાં રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના અનેક દિગ્ગજ મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને શ્રી સંઘાણીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અન્નપૂર્ણા ધામના પ્રમુખ શ્રી નરહરીભાઈ અમીન, પૂર્વ મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયા તેમજ અગ્રણી શ્રી પ્રશાંત કોરાટ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), અમદાવાદ બિલ્ડર એસોસિએશન (ABA), સમસ્ત પાટીદાર સમાજ અને ‘ધ ડાયસ્ટફ્સ એસોસિએશન’ સહિતની વિવિધ સામાજિક અને વ્યાપારિક સંસ્થાઓના હોદ્દેદારો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને શ્રી દિલીપભાઈને તેમની આ વૈશ્વિક સિદ્ધિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
‘સહકારથી સમૃદ્ધિ’ ના મંત્રને મળશે વૈશ્વિક બળ:શ્રી દિલીપભાઈ સંઘાણીની આ જીત સમગ્ર ભારતની સહકારી ચળવળ માટે એક મોટું સીમાચિહ્ન માનવામાં આવી રહી છે. તેમની આ નિમણૂકથી આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ‘સહકારથી સમૃદ્ધિ’ ના મોડલને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.



