વાવોલની એમ. બી. પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત યોગ શિબિરની ભવ્ય પૂર્ણાહુતિ
ટ્રેનર્સ અને તાલીમાર્થીઓનું કરાયું સન્માન

વાવોલ (ગાંધીનગર):
લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટાર અને કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વાવોલ સ્થિત એમ. બી. પટેલ હાઇસ્કુલ ખાતે તારીખ ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન સપ્તાહવ્યાપી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૭ સપ્ટેમ્બરના રોજ મોટી સંખ્યામાં યોગ સાધકોની હાજરી વચ્ચે આ શિબિરનો ભવ્ય પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમાપન સમારોહમાં લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ શ્રી પ્રેમલસિંહજી ગોલ અને પ્રેસિડન્ટ શ્રી પ્રકાશભાઈ ઠાકર દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધિત કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે ક્લબના સેક્રેટરી શ્રી નિરંજનભાઇ શાહ, ગાંધીનગર જિલ્લા યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર શ્રીમતી ભાવનાબેન જોશી તેમજ શ્રીમતી સોનલબા પ્રેમલસિંહ ગોલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિરમાં નિઃસ્વાર્થ સેવા આપનાર ૧૨ જેટલા યોગ ટ્રેનર્સને શાલ ઓઢાડી અને સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શિબિરમાં નિયમિતપણે ભાગ લેનાર ૩૦ જેટલા યોગ તાલીમાર્થીઓને પણ પ્રોત્સાહન સ્વરૂપે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મયુરભાઈ શર્મા અને શીતલબેન ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકો દ્વારા સર્વે યોગ સાધકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



