રક્ષાબંધનના પર્વે અનોખી પહેલ :
મોટા વરાછામાં સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી પેંડા ખવડાવી બહેનોએ ઉજવ્યો ભાઈ-બહેનનો તહેવાર

સુરત,
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતના મોટા વરાછા વિસ્તારમાં અનોખી માનવતાભરી પહેલ જોવા મળી હતી. સરથાણા-વરાછા બી ઝોનના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસ પાસે એસએમસીના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ રજાના દિવસે પણ પોતાની ફરજ નિભાવી રસ્તા-રોડની સફાઈ કામગીરી કરી રહ્યા હતા.
આ દરમિયાન સુમન નિવાસની ખુશીબેન સોલંકી સહિત બે મહિલાઓએ સફાઈ કર્મચારીઓને પોતાના ભાઈ માનીને રાખડી બાંધી હતી. મહિલાઓએ સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી પેંડા ખવડાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
સફાઈ કર્મચારીઓ માટે આ ક્ષણ ભાવુક બની હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, “આટલા વર્ષોમાં અમને કોઈએ આ રીતે રાખડી બાંધી નથી. આજે ખુશીબેન સોલંકી જ્યારે અમે રસ્તાની સફાઈ કરી રહ્યા હતા ત્યારે આવ્યા અને ખૂબ જ ખુશીથી અમને રાખડી બાંધી. અમને ખૂબ આનંદ થયો.”
સામાન્ય રીતે લોકો પોતાના પરિવારના ભાઈઓ સાથે રક્ષાબંધન ઉજવતા હોય છે, ત્યારે સુમન નિવાસની મહિલાઓએ સમાજની સ્વચ્છતા માટે સતત ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને ભાઈ માનીને રાખડી બાંધી ‘સેવા કરનારાઓનું સન્માન’ કરવાનો સંદેશ આપ્યો હતો.

આ અનોખી રક્ષાબંધન ઉજવણીમાં એસએમસીના ઉચ્ચ અધિકારીઓ પરેશ પટેલ અને શૈલેષ સોલંકી સહિત અધિકારીઓ અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રજાના દિવસે પણ શહેરની સ્વચ્છતા માટે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરતી આ પહેલે રક્ષાબંધનના પર્વને સાચા અર્થમાં માનવતાના તહેવારમાં પરિવર્તિત કર્યો હતો.



