સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી :
હત્યા કેસમાં દોઢ વર્ષથી ફરાર કુખ્યાત આરોપી બિહારથી ઝડપાયો

સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસની ટીમે ગંભીર હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા અને લાંબા સમયથી વોન્ટેડ એવા આરોપીને બિહારથી ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ઘટનાની વિગતો અને ગુનાનો પૃષ્ઠભૂમિ ગતો ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સવારના સુમારે આશરે ૬ થી ૭:૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈ પોતાનું કામ પૂરું કરીને હેમખેમ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભાટપોર ગામ તરફ જતા જાહેર રોડ પર બે અજાણ્યા શખ્સોએ તેમની પર અચાનક ઘાતક હુમલો કર્યો હતો.
આરોપીઓએ ઉશ્કેરાઈને તીક્ષ્ણ હથિયારો વડે ઈજાગ્રસ્તના ગળાના ભાગે, બંને હાથ પર, પગ તથા પેટમાં ગંભીર ઘા માર્યા હતા. આ ક્રૂર હુમલામાં ગંભીર ઈજાઓ થવાથી ભોગ બનનાર વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં હત્યા અને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ ગુનો આચર્યા બાદ મુખ્ય આરોપી કરણકુમાર સુરજસિંહ રાજપૂત (ઉંમર ૨૩ વર્ષ, મૂળ રહે. બિહાર) પોલીસ પકડથી બચવા માટે સતત ફરાર થઈ ગયો હતો.
બિહાર સુધી લંબાઈ તપાસ અને સફળ ઓપરેશન આરોપી લાંબા સમયથી પકડમાં ન આવતા ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફે આ કેસને ગંભીરતાથી લઈને ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)ની મદદથી આરોપીની સઘન શોધખોળ શરૂ કરી હતી. પોલીસ ટીમે સતત ટેક્નિકલ સર્વેલન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીને પગલે બિહાર સુધી તપાસના તાર લંબાવ્યા હતા અને ત્યાં દરોડો પાડીને દોઢ વર્ષથી ફરાર આરોપી કરણકુમાર સુરજસિંહ રાજપૂતને દબોચી લીધો હતો.
ઈચ્છાપોર પોલીસની પ્રશંસનીય કામગીરી દીર્ધદ્રષ્ટિ, ઉત્તમ ટેકનિકલ તપાસ અને અથાક પ્રયાસોના પરિણામે સુરત પોલીસે લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેલા ખૂનીને આખરે કાયદાના સકંજામાં લીધો છે. પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરીથી ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે તેમજ સુરત પોલીસની સક્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.



