ઉત્રાણ પોલીસનો અનોખો સેવાભાવ :
પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને ‘શી ટીમ’ દ્વારા શાંતિદૂત વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ભાવનાત્મક ઉજવણી

સુરત,
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનનું પ્રતીક છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે સમાજમાં એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડતા, સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા આ પર્વની ખૂબ જ સંવેદનશીલ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ઉત્રાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એચ. આર. ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ જવાનો અને મહિલા સુરક્ષા માટે કાર્યરત ‘શી ટીમ’ (SHE Team) દ્વારા વિસ્તારમાં આવેલા ‘શાંતિદૂત વૃદ્ધાશ્રમ’ની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પોતાના પરિવારથી દૂર રહેતા વૃદ્ધજનોના જીવનમાં ખુશીના પળો લાવવાનો હતો.
પોલીસ અધિકારીઓએ વૃદ્ધાશ્રમમાં રહેતી વૃદ્ધ માતાઓ સાથે બેસીને રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વૃદ્ધાશ્રમની માતાઓએ અત્યંત ભાવુક બનીને પી.આઈ. ગોસ્વામી સાહેબ તથા અન્ય પોલીસ જવાનોના કાંડે રક્ષાકવચ સમાન રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.સામા પક્ષે, ખાખી વર્દીમાં રહેલા પોલીસ જવાનોએ પણ આ માતાઓને જીવનભર રક્ષણ અને હૂંફ આપવાનું વચન આપ્યું હતું.
‘શી ટીમ’ની મહિલા પોલીસકર્મીઓએ પણ વૃદ્ધ માતાઓ સાથે વાર્તાલાપ કરી, તેમની સુખ-દુઃખની વાતો સાંભળીને તેમના ચહેરા પર સ્મિત રેલાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.પોલીસ વિભાગની આ સરાહનીય કામગીરીથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ અત્યંત ભાવનાત્મક બની ગયું હતું.
ઉત્રાણ પોલીસની આ માનવતાવાદી પહેલની સ્થાનિક નાગરિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આ ઘટના એ વાતની સાબિતી છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાનું પાલન નથી કરાવતી, પરંતુ સમાજના સંવેદનશીલ વર્ગ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી પણ બખૂબી નિભાવે છે.



