આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે તંત્રની તવાઈ, ૧૩૭ એકમો તાત્કાલિક બંધ

ગાંધીનગર,
સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની ઘટનામાં પાંચ વર્ષની બાળકીના દુઃખદ અવસાન બાદ રાજ્ય સરકાર દ્વારા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યવ્યાપી તપાસની કામગીરીની સમીક્ષા કરી હતી.રાજ્યમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કુલ ૧૮૭ રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૧૩૭ રેસ્ટોરન્ટ્સમાં ગંભીર અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ મળી આવતા તેમને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.આ કાર્યવાહી અંતર્ગત છ રેસ્ટોરન્ટ્સને સીલ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે, રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદ જિલ્લામાં ત્રણ રેસ્ટોરન્ટ્સ સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત ૪૦ રેસ્ટોરન્ટ્સને ક્ષતિઓ દૂર કરવા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, જ્યારે ચાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સુરતમાં પણ સઘન તપાસસુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ ઝોનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટ અને ૩૪ ઢાબામાં તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન કિચનની સ્વચ્છતા, વાસી ખોરાક, કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તથા ડેરી પ્રોડક્ટ્સ સંબંધિત નિયમોની ચકાસણી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ૫૪૮ કિલો અખાદ્ય ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.નિયમોના ભંગ બદલ ૧૨૮ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ. ૪.૪૩ લાખનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. ગંભીર સ્વચ્છતા સંબંધિત ખામીઓ ધરાવતા ૪૩ હોટેલ-રેસ્ટોરન્ટ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.ફૂડ સેફ્ટી મુદ્દે સરકારનું કડક વલણ૧૮ ઓગસ્ટે સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાને પગલે રાજ્ય સરકારે રેસ્ટોરન્ટ્સમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની તપાસ વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે.આરોગ્ય મંત્રીની સમીક્ષા બેઠક બાદ તંત્રને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં રેસ્ટોરન્ટ, હોટેલ અને ખાદ્ય વ્યવસાયિક એકમોની તપાસ વધુ તેજ બનવાની શક્યતા છે.ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરનાર એકમો સામે બંધ, સીલિંગ, લાયસન્સ સસ્પેન્શન, નોટિસ તથા દંડ જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.



