મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે
ગાંધીનગરમાં સેવાકીય કાર્યોની વણઝાર: ભાજપ દ્વારા અનોખી ઉજવણી

ગાંધીનગર:
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસને ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને સેવાભાવ સાથે ઉજવવામાં આવ્યો. શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગાંધીનગરમાં એક જ દિવસમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાકીય કાર્યક્રમોની મુખ્ય ઝલક:
પૂજા-અર્ચના અને ગૌસેવા:
ઉજવણીની શરૂઆત ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવી હતી. અહીં મુખ્યમંત્રીશ્રીના નિરામય અને દીર્ઘાયુ જીવન તેમજ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વિશેષ પૂજા-અર્ચના તથા ગૌસેવા કરવામાં આવી હતી.

સ્વચ્છતા માટે શ્રમદાન:
ભાજપના આગેવાનો અને સેંકડો કાર્યકર્તાઓએ ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં જાતે સફાઈ અભિયાન હાથ ધરીને શ્રમદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આંગણવાડીના બાળકોને પોષણ:
સેક્ટર-૧૬ સ્થિત બ્રહ્મભવન ખાતે ગાંધીનગર મહાનગરની ૧૧૧ જેટલી આંગણવાડીઓના ભૂલકાઓને પૌષ્ટિક ‘સુખડી’નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સફાઈ કર્મી બહેનોનું સન્માન
શહેરને સ્વચ્છ રાખવામાં મોટો ફાળો આપનાર મહાનગરપાલિકાની સફાઈ કર્મી બહેનોની સેવાની કદર રૂપે, સેક્ટર-૧૬ના રંગમંચ ખાતે તેમને સાડીઓ અર્પણ કરવામાં આવી હતી.
દર્દીઓના સ્વજનોને મીઠાઈ વિતરણ:
સેક્ટર-૧૨ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ‘કુસુમબા નિઃશુલ્ક આહાર કેન્દ્ર’માં દર્દીઓની સારવાર અર્થે આવેલા તેમના પરિજનોને મીઠાઈ વહેંચીને ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કરાયો હતો.
અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ તમામ સેવાકાર્યોને સફળ બનાવવા માટે રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઇ શુક્લ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહાનગરપાલિકાના નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર સહભાગી બનીને મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસને સાર્થક બનાવ્યો હતો.



