મહેસાણાના ખેરવામાં ધોળા દિવસે લોહિયાળ લૂંટ
વેપારીના હાથમાં છરો આરપાર ઉતારી ૧.૫૦ લાખ અને ૧૦ તોલા સોનું ઝૂંટવી લૂંટારુઓ ફરાર

મહેસાણા:
મહેસાણા તાલુકાના ખેરવા ગામે ભરબપોરે લૂંટારુઓએ આતંક મચાવ્યો છે. ક્રેડિટ સોસાયટીમાંથી દાગીના અને રોકડ લઈને ઘરે પરત ફરી રહેલા વેપારીને આંતરી, તેમની આંખમાં મરચાની ભૂકી નાખી, હાથમાં દોઢ ફૂટનો છરો આરપાર ભોંકી રૂ. ૧.૫૦ લાખની રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવતા પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાતીનો વ્યવસાય કરતા રમેશભાઈ પટેલ બપોરે ૨:૦૦ વાગ્યાના અરસામાં ખેરવા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી ૧૦ તોલા સોનું અને ૧.૫૦ લાખ રૂપિયા રોકડા લઈને બાઈક પર પરત ફરી રહ્યા હતા. બેંકથી માત્ર ૩૦૦ મીટર દૂર ગલીમાં અગાઉથી ટાંપીને બેઠેલા બાઈક અને મોપેડ સવાર ૪ શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હતો.
આંખમાં મરચું નાખી ઘાતકી હુમલો
લૂંટારુઓએ આયોજનબદ્ધ રીતે રમેશભાઈની આંખમાં મરચાની ભૂકી ફેંકી દીધી હતી. વેપારીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા ગુનેગારોએ તેમના હાથમાં દોઢ ફૂટ લાંબો છરો ભોંકી દીધો હતો, જે હાથની આરપાર નીકળી ગયો હતો. હુમલા બાદ લૂંટારુઓ બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વેપારી હિંમતભેર બાઈક ચલાવી મુખ્ય રોડ સુધી પહોંચ્યા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તુરંત દોડી આવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સીસીટીવી ફૂટેજ આધારે પોલીસની તપાસ
ઘટનાની જાણ થતા જ મહેસાણા તાલુકા પોલીસ અને એલસીબીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. ક્રેડિટ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.



