રથયાત્રામાં વિઘ્ન નાખવાનું ષડયંત્ર નિષ્ફળ
સિદ્ધપુરમાંથી જૈશ-એ-મોહમ્મદના વધુ 5 સંદિગ્ધોની અટકાયત
અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછ બાદ ATSનું મેગા સર્ચ ઓપરેશન: ચાટાવાડા અને ઝાપલીપોલ વિસ્તારમાં સઘન તપાસનો ધમધમાટ

સિદ્ધપુર: આગામી રથયાત્રાના પાવન પર્વ પૂર્વે ગુજરાત અને મધ્યપ્રદેશ ATS (એન્ટી ટેરેરિઝમ સ્ક્વોડ) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ ૫ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવાયું હતું.
રથયાત્રાને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં અશાંતિ ફેલાવવા અને આતંકી સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રને ATSએ નિષ્ફળ બનાવ્યું છે. આ અગાઉ હાથ ધરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં ૮ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા આતંકીઓમાંથી સિદ્ધપુરના ૩, પાલનપુરના ૩ અને ચીખલીના ૧ શખ્સનો સમાવેશ થાય છે. આ આતંકીઓના તાર સિદ્ધપુર પંથકમાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા આજે બપોરથી જ ATSની ટીમોએ સિદ્ધપુરમાં ધામા નાખ્યા હતા અને વધુ ૫ શંકાસ્પદોને ઉઠાવી લીધા છે.
ચાટાવાડામાં મોહમદ અમીન શેરાના ઘરે દરોડા આ મેગા ઓપરેશન અંતર્ગત ATSની ટીમો દ્વારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના નિવાસસ્થાને પણ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
વેપારીઓની પણ પૂછપરછ મોહમદ અમીન શેરા દ્વારા અગાઉ સિદ્ધપુર વિસ્તારમાંથી કોઈ શંકાસ્પદ સામાનની ખરીદી કરવામાં આવી હતી કે કેમ તે અંગેના સગડ મેળવવા માટે શહેરના ઝાપલીપોલ સહિતના વિસ્તારોમાં તપાસ લંબાવવામાં આવી છે. ATS દ્વારા સ્થાનિક વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડી સાંજ સુધી ચાલેલી આ તપાસ અને પૂછપરછના આધારે આગામી દિવસોમાં આ આતંકી નેટવર્ક સાથે જોડાયેલા વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.



