દરિયાઈ તણાવમાં ભારતીયો પર સતત હુમલાની ઘટના
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી હુમલામાં ૩ ભારતીય નાવિકોના મોત; ઓમાનના દરિયાકાંઠે ‘MT જલવીર’ જહાજમાં આગ લાગી
નવી દિલ્હી :
આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાં ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઓમાનના દરિયાકાંઠે સતત બીજા દિવસે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા એક જહાજ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગુરુવારે ઓમાનના દરિયાકાંઠે ‘MT જલવીર’ નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે જહાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે, આ હુમલો કોણે કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.
ઘટનાની ગંભીરતાને જોતાં ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
અમેરિકી હુમલામાં ૩ ભારતીયોના મોત
આ પહેલા બુધવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓઈલ ટેન્કર ‘MT સેત્તેબેલ્લો’ પર અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૩ ભારતીય નાવિકોના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા ૩ ભારતીયોમાંથી અત્યાર સુધીમાં બે નાવિકોના મૃતદેહ મળી આવ્યા છે.
અમેરિકી સેનાની સ્પષ્ટતા:
અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, ‘MT સેત્તેબેલ્લો’ જહાજ ઈરાનનું તેલ લઈ જઈ રહ્યું હતું. સેના દ્વારા વારંવાર આપવામાં આવેલી ચેતવણીઓની અવગણના કરવામાં આવ્યા બાદ આ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.એક જ અઠવાડિયામાં ભારતીય ક્રૂ પર ત્રીજો હુમલો
ચાલુ સપ્તાહ દરમિયાન ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર હુમલાની આ ત્રીજી ઘટના છે:
- સોમવાર: અમેરિકાએ ઓઈલ ટેન્કર ‘ધ મેરિવક્સ’ પર હુમલો કર્યો હતો. આ જહાજ પર ૨૪ ભારતીય નાવિકો સવાર હતા, જેમને ઓમાનની સેનાએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
- બુધવાર: ‘MT સેત્તેબેલ્લો’ પર અમેરિકી હુમલો, જેમાં ૩ ભારતીય નાવિકોના મોત થયા.
- ગુરુવાર: ‘MT જલવીર’ પર અજ્ઞાત હુમલો, જહાજમાં આગ લાગી.
સતત વધી રહેલા આ હુમલાઓને કારણે વૈશ્વિક વેપાર માર્ગો પર ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને લઈને દૂતાવાસ અને સંબંધિત મંત્રાલયો હરકતમાં આવ્યા છે.





