વોર્ડ નંબર 7 માં રીપીટ થીયરી ના ગણિત સામે વિપક્ષની અગ્નિપરીક્ષા
ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારી ફોર્મ ભરાતાની સાથે જ સત્તાના શિખર પર કબજો જમાવવાની રણનીતિ તૈયાર

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપના ૪૪ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન સાથે નામાંકન; કોંગ્રેસમાં પક્ષપલટાના ડરે સેફ હાઉસ પોલિટિક્સ શરૂ
ગુજરાતના પાટનગરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તમામ ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારોએ જનસેવા, સુશાસન અને વિકાસના સંકલ્પ સાથે વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી પત્રકો ભર્યા છે. બીજી તરફ, ઉમેદવારી પત્ર પાછું ખેંચાઈ જવાના કે પક્ષપલટાના ડરથી વિપક્ષ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી લીધા હોવાની ચર્ચાએ પાટનગરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી પત્રકો દાખલ
ભાજપના ઉમેદવારોએ સંગઠન બળ અને સમર્થકોની જંગી જનમેદની સાથે બે અલગ-અલગ વહીવટી કેન્દ્રો પર નામાંકન દાખલ કર્યું હતું:
વોર્ડ નંબર ૧ થી ૪ : ઉમેદવારોએ સમર્થકો સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભર્યા.
વોર્ડ નંબર ૫ થી ૧૧: ઉમેદવારોએ જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) ખાતે નામાંકન નોંધાવ્યું.
નામાંકન વેળાએ ભાજપ સંગઠન પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, શહેર પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, મેયર શ્રીમતી મીરાબેન પટેલ તેમજ ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર અને શ્રીમતી રીટાબેન પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો દ્વારા સમગ્ર પરિસરમાં “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના નારાઓ સાથે ઉત્સાહભર્યો માહોલ ઊભો કરાયો હતો.
ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો
રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ચૂંટણી પ્રક્રિયા નીચે મુજબ આગળ વધશે:
ચકાસણી (સ્ક્રૂટિની) ૨૮ સપ્ટેમ્બર, ઉમેદવારી પત્રોની વહીવટી ચકાસણી
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૯ સપ્ટેમ્બર, આખરી લડાઈનું ચિત્ર સ્પષ્ટ થશે
મતદાન ૧૧ ઓક્ટોબર, નવરાત્રિના પ્રથમ દિવસે મતદાન પ્રક્રિયા
મતગણતરી ૧૩ ઓક્ટોબર પરિણામ જાહેર થશે
વોર્ડ નંબર ૭નું જાતિગત ગણિત: ‘ક્ષત્રિય-ઠાકોર-પટેલ’ ત્રિકોણપાટનગરની ચૂંટણીમાં વોર્ડ નંબર ૭ (વાવોલ-કોલવડા વિસ્તાર) સૌથી વધુ ચર્ચાસ્પદ અને હોટસીટ બની રહ્યો છે. આ વોર્ડમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજના મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ જાતિગત સમીકરણોને સાધવા માટે ભાજપે સામાજિક સંતુલન સાથે ‘રિપીટ થિયરી’ પર ભરોસો મૂક્યો છે:

સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા: ચાલુ કોર્પોરેટર અને સ્થાનિક ક્ષત્રિય આગેવાન ઘનશ્યામસિંહ વાઘેલા (જમાદાર)ના પત્ની.

કિંજલબેન દિનેશભાઈ ઠાકોર: ઠાકોર સમાજના પ્રતિનિધિત્વ રૂપે સંગઠનને મજબૂતી આપવા માટે પસંદગી.

ભાવિક ગુણવંતભાઈ સુતરીયા: પૂર્વ કોર્પોરેટર ગુણવંત સુતરીયાના પુત્ર, યુવા ચહેરા તરીકે મેદાનમાં

શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલ: આરોગ્ય સમિતિના ચેરમેન અને ચાલુ કોર્પોરેટર, પાટીદાર મતોને ધ્યાને રાખી ફરી તક.
આ ત્રિપાંખીયા સામાજિક સમીકરણ થકી ભાજપે વિપક્ષ સામે મજબૂત કિલ્લેબંધી કરી છે.
પ્રજાના મુખ્ય પડકારો અને સ્થાનિક મુદ્દાઓ
વોર્ડ નંબર ૭ સહિત સમગ્ર ગાંધીનગર મનપા વિસ્તારના નાગરિકો માટે વિકાસના દાવાઓ વચ્ચે પાયાની સુવિધાઓ મુખ્ય મુદ્દો બની રહેશે:
આંતરિક રસ્તા અને ડ્રેનેજ: વાવોલ-કોલવડા જેવા વિસ્તારોમાં નવા બનતા ટીપી રોડ અને અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થાનું વિસ્તરણ.
વરસાદી પાણીનો નિકાલ: ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય સ્ટોર્મ વોટર નેટવર્ક.
રખડતા ઢોર અને કચરા વ્યવસ્થાપન: મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા તેમજ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની નિયમિતતા.
વિપક્ષી છાવણીમાં ગભરાટ અને સેફ હાઉસ પોલિટિક્સ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેદવારી પત્રો ભરાયા બાદ કોંગ્રેસ પક્ષમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. ભાજપના આક્રમક ચૂંટણી અભિયાન અને ભૂતકાળના અનુભવોને જોતાં, કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછું ન ખેંચી લે અથવા છેલ્લી ઘડીએ પક્ષપલટો ન થાય તે માટે ધારાસભ્યના નિવાસસ્થાનેથી ખાનગી વાહનો મારફતે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ વ્યુહરચના પાછળ સંગઠનને અકબંધ રાખવાનો ઉદ્દેશ હોવાનું મનાય છે.પાટનગરની આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજ્ય પૂરતી સીમિત ન રહેતાં, સમગ્ર રાજ્યના રાજકીય માહોલ પર ઘેરી અસર પાડશે. ૨૯ સપ્ટેમ્બરે ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ સાચા અર્થમાં પાટનગરના જંગનું સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થશે.



