મનપા-નગરપાલિકાઓને રૂ. 3,850 કરોડની ગ્રાન્ટ
‘સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ’ : સીએમ ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ

ગાંધીનગર
રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કાર્યોને વેગ આપવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્રાન્ટના ચેક વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17 મહાનગરપાલિકાઓને રૂ. 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડ મળીને કુલ રૂ. 3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વચ્છતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અંગે તંત્રને કડક સૂચનાઓ આપી હતી, તો સાથે જ હળવી મજાક કરીને વાતાવરણ પણ હળવું કર્યું હતું.
સ્વચ્છતા અને ભુવાઓ મુદ્દે મુખ્યમંત્રીનું કડક વલણ
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
“સ્વચ્છતા તો દરેક વ્યક્તિ મગજમાં લઈને જ જાય. સ્વચ્છતા ન હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે તેની ગ્રાન્ટ જ બંધ કરી દઈશું. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય તે ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ જ.” – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ ઉપરાંત, ચોમાસામાં રોડ પર પડતા ભુવાઓ અંગે તેમણે તંત્રનો કાન આમળતા કહ્યું કે, ભુવા પડ્યા બાદ તેને પૂરવા કરતાં તેના મૂળ કારણો શોધીને કાયમી નિરાકરણ લાવો. રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇનોના કામો વચ્ચે સંકલન સાધી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા તેમણે તાકીદ કરી હતી.
વરસાદી આયોજન અને મેનેજમેન્ટ પર ભાર
નાણાકીય સ્થિતિ અંગે વાત કરતા સીએમએ કહ્યું કે, હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે નાણાંની કોઈ તંગી નથી, હવે ફોકસ માત્ર બજેટ અને મેનેજમેન્ટ પર હોવું જોઈએ. બદલાતી વરસાદી પેટર્ન અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે અમદાવાદના બોપલ-આંબલી વિસ્તારનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અગાઉથી જ ગોઠવવી પડશે. જો જૂના કામો નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરતા હોય તો તેનું નિરાકરણ લાવવાની જવાબદારી પણ તંત્રની છે.
હરિયાળી વધારવા મોટો નિર્ણય: TP સ્કીમમાં 1% જમીન અનામત
શહેરોમાં ગ્રીન કવર વધારવા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. નવી ટીપી (TP) સ્કીમમાં હવે વૃક્ષારોપણ માટે ફરજિયાત 1 ટકા જમીન અનામત રાખવામાં આવશે. આ જમીનનો ઉપયોગ બાગ-બગીચા અને ઓક્સિજન પાર્ક બનાવવા માટે કરાશે.
કાર્યક્રમમાં હળવાશની પળો
કડક સૂચનાઓ વચ્ચે સીએમએ હળવા અંદાજમાં ટિપ્પણીઓ પણ કરી હતી. તેમણે મંચ પરથી કહ્યું, ‘નગરપાલિકાના પૈસા અને ધારાસભ્ય ખુશ છે. ધારાસભ્યને રૂપિયા ઓછા પડે એમ નથી.’ આ સાંભળીને સભાખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. વધુમાં, હાજર ચીફ ઓફિસરોને ઉદ્દેશીને કોઈ પ્રતિભાવ ન મળતાં તેમણે મજાકમાં કહ્યું, ‘કમિશનર બનવું છે એટલે બોલતા નથી. કમિશનરને પૂછી આવજો કે કેટલી તકલીફ પડે છે.’
મંત્રીઓના નિવેદન અને પુસ્તક વિમોચન
- કૃષિ મંત્રી જીતુ વાઘાણી: તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સીએમની વાત કોઈને ચીમકી આપવા માટે નહીં, પરંતુ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે હતી. છેલ્લા પાંચ વર્ષમાં શહેરીજનો માટે રૂ. 92 હજાર કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે.
- શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ: તેમણે જણાવ્યું કે, 2047 સુધીમાં અંદાજે 70થી 75 ટકા વસ્તી શહેરોમાં હશે, તેથી અત્યારથી જ ગુણવત્તાયુક્ત શહેરી માળખું ઊભું કરવું જરૂરી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ‘20 વર્ષ શહેરી વિકાસના’ અને ‘અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા’ નામની બે કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.



