ગુજકોમાસોલનું ઐતિહાસિક પ્રદર્શન:
રૂ. ૧૧,૪૭૯ કરોડના જંગી ટર્નઓવર સાથે સભાસદોને ૨૦% ડિવિડન્ડની ભલામણ

ગાંધીનગર,
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ) ની ૬૫મી વાર્ષિક સાધારણ સભા આજે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સંસ્થાએ અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે રૂ. ૧૧,૪૭૯ કરોડનો જંગી ટર્નઓવર નોંધાવીને નવો ઈતિહાસ રચ્યો છે. સંસ્થાનો ગ્રોસ પ્રોફિટ રૂ. ૧૫૨.૬૩ કરોડ અને કરવેરા બાદનો નેટ નફો રૂ. ૬૦.૦૦ કરોડ નોંધાયો છે.સભાના મુખ્ય અંશો અને નાણાકીય સિદ્ધિઓ ડિવિડન્ડ અને ફંડ: સરકારશ્રીના પરિપત્ર મુજબ સભાસદોને મહત્તમ ૨૦% ડિવિડન્ડ આપવાની ભલામણ કરાઈ છે, જે સંસ્થાની સાતત્યપૂર્ણ સફળતા દર્શાવે છે. સંસ્થાના ફંડમાં રૂ. ૬૧.૮૮ કરોડનો વધારો થતાં કુલ રિઝર્વ રૂ. ૨૧૬.૦૦ કરોડ થયું છે.
ખેત પેદાશોની ખરીદી: ટેકાના ભાવે મગફળી, ચણા, સોયાબીન સહિતના પાકોની કુલ ૧૨.૨૭ લાખ મે.ટન (રૂ. ૮,૬૮૦ કરોડ)ની માતબર ખરીદી પારદર્શક રીતે કરવામાં આવી છે.
ખાતર અને બિયારણ: ખેડૂતોને રૂ. ૨૧૧૫ કરોડના મૂલ્યનું ૧૭.૫૯ લાખ મે.ટન ખાતર અને ૯.૭૯ લાખ નેનો ખાતરની બોટલનું વિતરણ કરાયું છે. બિયારણ વિભાગે રૂ. ૧૧૪.૭૯ કરોડના શુદ્ધ સર્ટીફાઈડ બિયારણો પૂરા પાડ્યા છે.
નવીન પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ‘GUJCO’ બ્રાન્ડ અને લોજીસ્ટીક પાર્ક: “સહકાર થી સમૃધ્ધિ” ના મંત્ર સાથે નવી બ્રાન્ડ “GUJCO” રજીસ્ટર કરાઈ છે. મહેસાણા ખાતે એગ્રી લોજીસ્ટીક પાર્કનું ખાતમુહૂર્ત કરાયું છે, જ્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મારફતે ઓર્ગેનિક ખેતીથી પકવેલા માલનું પ્રોસેસીંગ, પેકીંગ અને એક્સપોર્ટ થશે.
ગુજકો મોલ: ગુજરાતની સૌપ્રથમ કો-ઓપરેટીવ રીટેઈલ ચેઈન અંતર્ગત સાયન્સ સીટી (અમદાવાદ) થી શરૂ થયેલ ‘ગુજકો મોલ’ પ્રોજેક્ટ હવે વડોદરા, રાજકોટ, જામનગર, માંગરોળ, સુરત અને બારેજા એમ કુલ ૭ સ્થળોએ કાર્યરત થઈ ચુક્યો છે.
ડ્રોન ટેકનોલોજી: ડાયવર્ઝીફીકેશન અંતર્ગત ૧૫,૪૧૧ એકરમાં ડ્રોનથી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે.
કોમ્પ્યુટરાઈઝેશન અને ગોડાઉન: નવી સહકાર નીતિ અનુસાર તમામ યુનિટો અને ડેપોને કોમ્પ્યુટરાઈઝ્ડ કરાયા છે. ૧૪૫ ગોડાઉનોના નવિનીકરણ પાછળ રૂ. ૨૫ કરોડનો ખર્ચ કરાયો છે, જેનાથી ભાડાની આવક વધીને રૂ. ૮.૩૭ કરોડ થઈ છે.
કર્મચારી હિત અને પર્યાવરણ લક્ષી નિર્ણયોનિવૃત્તિ વયમર્યાદામાં વધારો: કર્મચારીઓના હિત અને તેમના બહોળા અનુભવનો લાભ સંસ્થાને મળે તે આશયથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિવૃત્તિ વયમર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
ઈલેક્ટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન: ઈલેક્ટ્રીક વાહનોના વધતા ચલણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર હેડઓફિસના પટાંગણમાં આજે જ નવા EV ચાર્જિંગ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે.



