કાનુડો: મજાક નહીં, મા નો મનોભાવ
માનો કાનુડો: સંસ્કૃતિ અને સંસ્કારનો પાયો

**….**…સોશિયલ મીડિયા પર કાન્હાના રૂપને લઈને થતી મજાક કે વિનોદ પાછળનો ભાવ કદાચ ક્ષણિક હાસ્ય હોઈ શકે, પણ એક મા જ્યારે તેના બાળકને ‘કાનુડો’ સજાવે છે, ત્યારે એ માત્ર શણગાર નથી હોતો—એ એક માની પવિત્ર મનોકામના અને સંસ્કારોનું સિંચન હોય છે.દરેક મા માટે એનો દીકરો સાચે જ કાનુડો જ હોય છે. આજના ભૌતિક અને ધમાલિયા યુગમાં સમાજને રામ જેવા મર્યાદા પુરુષોત્તમની સાથે સાથે કૃષ્ણ જેવા વ્યવહારુ, ચતુર અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિત્વની સૌથી વધુ જરૂર છે.મા જ્યારે બાળકના માથે મોરપંછ મૂકે છે કે હાથમાં વાંસળી આપે છે, ત્યારે એ માત્ર ફોટો પાડવા પૂરતું નથી હોતું. એ ભાવ પાછળ કૃષ્ણના જીવનનો આખો સાર છુપાયેલો હોય છે,
સ્થિરતા અને સહનશીલતા: જન્મતાં જ જન્મદાતા મા-બાપથી વિખૂટા પડવું, ગોકુળ છોડવું, રાધાનો વિરહ અને પોતાના જ સ્વજનોનો વિનાશ જોવો—આટલા દુઃખો વચ્ચે પણ જેમના મુખ પર સદા હાસ્ય રહ્યું, એ ક્ષમા અને સહનશીલતા બાળકમાં ઉતરે.
સત્ય અને સદ્ધર્મ: ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સત્યના પક્ષે અડીખમ ઊભા રહેવાનો આત્મવિશ્વાસ બાળકમાં દ્રઢ થાય.
પ્રેમ અને શૌર્યનું સંતુલન: હૃદયમાં રાધા જેવી કોમળતા અને અનુરાગ હોય, પણ જ્યારે ધર્મ અને સ્ત્રીના સન્માનની વાત આવે ત્યારે સુદર્શન ચક્ર ઉઠાવવાની હિંમત પણ હોય.
ચપળતા અને નેતૃત્વ: મુશ્કેલ સમયમાં પણ ધૈર્ય ગુમાવ્યા વગર યોગ્ય માર્ગ શોધવાની બુદ્ધિ અને ચાતુર્ય કેળવાય.માટે,
માતા દ્વારા દીકરાને કાનુડો બનાવવો એ સોશિયલ મીડિયાનો કોઈ ‘ટ્રેન્ડ’ કે ‘મજાક’ નથી, પણ આપણી સભ્યતા, સંસ્કૃતિ, અને શ્રેષ્ઠ મૂલ્યોને આગામી પેઢી સુધી પહોંચાડવાનો એક અત્યંત સુંદર અને જીવંત માર્ગ છે. જ્યારે એક મા પોતાના બાળકમાં કૃષ્ણ જુએ છે, ત્યારે તે સમાજને એક સક્ષમ અને સંસ્કારી નાગરિક આપવાનું પહેલું પગલું ભરે છે.
જય શ્રી કૃષ્ણ!….
નેહા તલાવિયા



